પવનોની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 6 ડિગ્રી ઘટી જતાં લોકો ઠૂઠવાઈ ગયા છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ ઉપરાંત વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં જ મોટા ભાગનાં શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતાં જનજીવનને માઠી અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકોને ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.