મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આખરે કલ્યાણ સેશન્સ કોર્ટે આ કેસમાં આદેશ જારી કર્યો છે કે ઐતિહાસિક દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં પરંતુ મંદિર છે. કોર્ટે કિલ્લાની અંદર આવેલી મસ્જિદ અને ઈદગાહ પર વકફ બોર્ડના (Waqf Board) દાવાને ફગાવી દીધો છે. આ કિલ્લામાં દુર્ગા માતાનું પ્રાચીન મંદિર (Durga Mata Temple) પણ આવેલું છે. અહેવાલો અનુસાર, કલ્યાણ કોર્ટે વક્ફ બોર્ડના દાવાને ફગાવી દીધો અને સ્પષ્ટ કર્યું કે કિલ્લાની અંદરની મસ્જિદ વક્ફ બોર્ડની મિલકત નથી. કોર્ટના આ નિર્ણયનું પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ સ્વાગત કર્યું છે. શિવસેનાનું કહેવું છે કે આ નિર્ણય દેવી દુર્ગાના આશીર્વાદ અને હિંદુ સમુદાયની એકતાનું પરિણામ છે.
શું છે આ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ
દુર્ગાડી કિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તે સ્થાન છે જ્યાં છત્રપતિ શિવાજી (Chhatrapati Shivaji) મહારાજે હિંદવી સ્વરાજ્યનું પ્રથમ નૌકા અભિયાન શરૂ કર્યું હતું. આ કિલ્લો હિંદુ સમુદાય માટે હંમેશા આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. છેલ્લા 48 વર્ષથી શિવસેના અને હિન્દુ સંગઠનોએ દુર્ગાડી કિલ્લાને દેવી દુર્ગાના મંદિર તરીકે જાહેર કરવા માટે આંદોલન ચલાવ્યું હતું.