ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બી ઝેડ ફાઇનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઓફિસો શરૂ કરીને રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનીકલ સર્વલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરતા હવે આ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.આરોપીએ પોન્ઝી સ્કીમની હેઠળ લોકોની મહેનતના કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
છેલ્લા એક મહિનાથી હતો ફરાર
છેલ્લા એક મહિનાથી CID ક્રાઈમની ટીમ આરોપીને શોધી રહી હતી. જેમાં તેણે ધરપકડ ન થાય તે માટે તેણે અગાઉ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી જેની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. મૂળ સાબરકાંઠાના ભુખ્યાદેરા ગામ (ઝાલાનગર)નો વતની ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ CID ક્રાઈમે ગત નવેમ્બર મહિનામાં ઠગાઈની તથા જીપીઆઈડી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપીએ કુલ 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું. જોકે સીઆઈડી ક્રાઈમની ટીમે આ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી લીધી છે