કેટલાક લોકો શોર્ટકટ શોધવા માટે કોઈપણ પ્રયાસ કરતા હોય છે. ખાસ કરીને ઝડપથી રૂપિયા કમાવવા માટે થોડા સમય પહેલાં ઘણા લોકોએ બોગસ ચલણી નોટો બજારમાં ફરતી કરી હતી. કેટલાક એવા લોકો પણ છે જે દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટે આવી રીતે નોટો બજારમાં ફરતી કરે છે. જેમાં અમદાવાદની અલગ-અલગ બેંકની શાખામાં દરેક દરની નકલી ચલણી નોટો જમા થઇ હતી. શહેરની અલગ અલગ બેંકોની શાખામાંથી છેલ્લા કેટલાક માસમાં આવેલી નકલી નોટો બાબતે એસઓજી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. અલગ અલગ દરની 1697 બોગસ ચલણી નોટ મળી હતી. બેંકની શાખાઓમાંથી રૂ. 20, 50, 100, 200 તથા 500ના દરની બોગસ નોટો મળી આવી છે. કેટલીક શાખાઓમાં તો ગઠિયાએ ચિલ્ડ્રન બેંકની નોટ પણ બેંકમાં આપી દેતા અનેક સવાલો ઊભા થયા છે.આ તમામ નોટોમાં સૌથી વધુ રૂ.500ની નકલી નોટો હોવાથી એસઓજીએ તે મામલે પણ તપાસ હાથ ધરી છે.