અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ 1977 થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. મળતી માહિતી મુજબ તેઓ ઘણા સમયથી બીમાર હતા. 1 ઓક્ટોબર, 1924ના રોજ જન્મેલા કાર્ટરને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. દરમિયાન તેમણે મધ્ય પૂર્વ સાથે અમેરિકાના સંબંધોનો પાયો નાખ્યો હતો. પદ પર રહેતા અને પદ છોડ્યા બાદ પણ કાર્ટરે શાંતિ અને માનવતાવાદી કારણો માટે અથાક પ્રયત્નો કરી વારસો બનાવ્યો હતો. તેમણે 1978માં ઐતિહાસિક કેમ્પ ડેવિડ સમજૂતિમાં મધ્યસ્થતા કરી હતી જેનાથી મિડલ ઇસ્ટમાં શાંતિ માટે એક માળખું બનાવ્યું અને ઇઝરાયલ-ઇજિપ્ત શાંતિ કરાર થયો હતો. આ કારણે જ તેમને આંતરરાષ્ટ્રીય શાંતિ, લોકશાહી અને માનવ અધિકારોને આગળ વધારવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.