દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે સરકારી કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. તેમજ અમદાવદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. એટલું જ નહીં નવા વર્ષે 1 જાન્યુઆરી 2025થી શરૂ થનાર ફ્લાવર શોના ઉદ્ઘાટનને પણ મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારે આ ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. 3 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકના કારણે 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોના ઉદ્ઘાટનને મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારે 3 જાન્યુઆરીથી હવે ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, ફ્લાવર શોની સમય મર્યાદામાં પણ વધારો થઈ શકે છે.
ફ્લાવર શોમાં જોવા મળશે 61 સ્કલ્પચર અને સ્ટ્રક્ચર
આ વખતે 61 સ્કલ્પચર અને સ્ટ્રક્ચર મૂકવામાં આવશે. જોકે, ગત વર્ષે 43 સ્કલ્પચર અને સ્ટ્રક્ચર હતાં. આ વખતે ફ્લાવર શૉને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, આ વખતે એન્ટ્રી ગેટ પર હાથીના બે સ્કલ્પચર હશે જે લોકોનું સ્વાગત કરશે. આ વખતે 7 લાખથી વધુ રોપા ગોઠવીને 400 ફૂટની કેનિયન વોલ બનાવવામાં આવી છે. આ ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ફોલ, કેનોપી ટ્રી, ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ 15 લાખથી વધુ ફુલ છોડથી કરાશે.
આ વખતે ચૂકવવી પડશે વધુ ફી
આ વખતના ફ્લાવર શોમાં 15.10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 15 લાખ દેશ-વિદેશના ફુલ છોડ જોવા મળશે. આ વખતે મુલાકાતીઓ માટે સોમથી શુક્રવાર સુધી 70 રૂપિયા એન્ટ્રી ફી અને શનિથી રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી હશે.