આજના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર બાળકોમાં વધતા જતા સોશિયલ મીડિયાના પ્રભાવને લઈ ચિંતિત બની છે અને હવે સરકાર આના પર બ્રેક લગાવવા પ્લાન બનાવી રહી છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે.
માતા-પિતાની મંજૂરી જરૂરી
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. 18મી ફેબ્રુઆરી સુધી મળેલા વાંધા-સૂચનોના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે અન્યથા ચાલુ રાખવામાં આવશે.પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન નિયમોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સરકારે હવે તૈયાર કરેલા ડ્રાફ્ટમાં નિયમોના ભંગ બદલ કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. હવે સરકારે નિયમો જાહેર કરવા અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. આ અંગે અંતિમ નિર્ણય 18 ફેબ્રુઆરી પછી લેવામાં આવશે. જેમાં લોકોના અભિપ્રાયને ધ્યાને લેવામાં આવશે. આ સાથે નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ પર દંડ પણ ફટકારવામાં આવશે.