અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા છે. તેઓ બીજીવખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોન રોબર્ટ્સે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, ટ્રમ્પના પત્ની મેલાનિયા બાઇબલ પકડીને ઉભા હતા. ટ્રમ્પના શપથ ગ્રહણ પછી, સંસદનો કેપિટલ રોટુન્ડા હોલ થોડા સમય માટે તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ટ્રમ્પની સાથે રિપબ્લિકન નેતા જેડી વાન્સે અમેરિકાના 50મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ભવ્ય સમારોહમાં ઘણા દેશોની હસ્તીઓએ આ ખાસ ક્ષણના સાક્ષી બન્યા. આ સમારોહમાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે, ટ્રમ્પ 2017થી 2021 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 45મા રાષ્ટ્રપતિ હતા. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતાની સાથે તેમને દુનિયાના અન્ય દેશોના વડાઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા.