અમદાવાદના ચાંદખેડા ન્યુ સીજી રોડ પર આવેલ સાકાર સ્કૂલને ફી કમિટીએ નક્કી કર્યા કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્કૂલને 5 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. વાલીની ફરિયાદને આધારે ડીઈઓ દ્વારા સ્કૂલને સ્પષ્ટતા કરવાની નોટિસ અપાઈ છે. વાલી અને સ્કૂલ બંનેએ ફી મુદ્દે આધાર અને દસ્તાવેજો સાથે હાજર રહેવાના આદેશ કરાયા છે.
મળતી માહિતી મુજબ, ચાંદખેડાની સાકાર સ્કૂલ દ્વારા FRC એ નક્કી કરેલ ફી કરતા વધુ વસુલતા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે.સ્કૂલની ફી 30800 રૂપિયા હોવા છતાં સ્કૂલ દ્વારા 39000 રૂપિયા ફી વસૂલવા આવી રહી હતી જેને લઇને વાલીએ DEO ને ફરિયાદ કરી હતી. DEO દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે. સ્કુલ દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 8 હજાર 200 જેટલી ફી વધુ લેવામાં આવી હતી. નિયમ પ્રમાણે સ્કૂલને બે ટર્મ એટલે કે એક સાથે છ મહિનાની ફી એકસાથે લઈ શકાય છે. જેથી શાળા દ્વારા અંદાજે 2 હજાર 600 જેટલી ફી વધારે લેવામાં આવી મતલબ કે છ મહિનામાં 4,000 જેટલી ફી વધું લેવામાં આવી. ઉપરાંત ત્રીજી ટર્મની ફી પણ એડવાન્સમાં લઈ લીધી હતી. જે નિયમની વિરુદ્ધ છે.
વાલીઓ દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે કચેરી દ્વારા શાળાને નોટિસ આપીને રૂબરૂમાં હાજર રહી ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે. વાલી દ્વારા કચેરીમાં વધારે ફી લીધી હોવાના આધાર પુરાવા પણ આપ્યા હતા. સાથે જ શાળા દ્વારા હવે વધારે ફી લેવામાં આવી હોવાની કબુલાત પણ કરી લીધી છે જેથી તાત્કાલિક ધોરણે વધારાની ફી વાલીઓને પરત કરવા માટે હુકમ કરાયો છે.