માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમીએ વસંત પંચમીનો પર્વ મનાવવામાં આવે છે. હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. વંસત પંચમીના પર્વને માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખાય છે.આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ, વાણી અને વિદ્યાની દેવી છે.
આ રીતે થયા હતા દેવી સરસ્વતી પ્રગટ?
પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિમાં કોઈ જીવન ન હતું, પરંતુ તે જીવન શાંત અને કોઈ અવાજ વિનાનું હતું. ભગવાન બ્રહ્માએ પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેમાંથી દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. દેવી સરસ્વતીએ વીણા વગાડીને મીઠો અવાજ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો અને સૃષ્ટિમાં જીવનનો સંચાર થયો. ત્યારથી દેવી સરસ્વતીને જ્ઞાન, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે અને આ તિથિએ વસંત પંચમીની ઉજવણી થવા લાગી હતી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી હાથમાં પુસ્તક, વીણા અને માળા લઇને શ્વેત કમળ પર બિરાજમાન થઈ પ્રગટ થયા હતા. વંસત પંચમીમાં દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓની શિક્ષા સબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ આ દિવસે રાશિ અનુસાર, કેટલાક ઉપાય કરવાથી માતા સરસ્વતી સાથે ધનની દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.