દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રીટ્ઝકે 148 બોલનો સામનો કરીને 150 રન કરીને આઉટ થઇ ગયો હતો. જેમાં તેણે 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ મેથ્યુએ પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી દીધો હતો. કારણકે આ પહેલા દુનિયાઓ કોઈ પણ બેટર આવું કારનામું કરી શક્યો નથી. તેણે લગભગ 47 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
આપને જણાવી દઈએ કે વનડેની ડેબ્યૂ મેચમાં મેથ્યુ બ્રીટ્ઝકે પહેલા દ. આફ્રિકાના ત્રણ બેટરો સદી ફટકારી ચૂક્યા છે. કોલિન ઇન્ગ્રામે વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામેની ડેબ્યૂ મેચમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ટેમ્બા બાવુમાંએ વર્ષ 2016માં આયર્લેન્ડ સામેની ડેબ્યૂ મેચમાં 113 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજું નામ રીઝા હેન્ડ્રીક્સનું છે. તેણે વર્ષ 2018માં શ્રીલંકા સામેની ડેબ્યૂ મેચમાં 102 રનની ઇનિંગ રમી હતી. પરંતુ હવે મેથ્યુ બ્રીટ્ઝકે આ બધાથી ખૂબ આગળ નીકળી ગયો છે