અમેરિકાની સાથે સાથે દુનિયાના ઘણા દેશોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા અમેરિકા અને હવે બ્રિટને ઘણા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરીને તેમને દેશમાં પાછા મોકલી દીધા છે. આમાંના મોટાભાગના લોકો કાર ધોવા અને નાની દુકાનોમાં કામ કરતા હતા.
મળતી માહિતી મુજબ,બ્રિટનમાં ઘણી ભારતીય હોટલો અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ભારતીયોની ધરપકડ કરાઈ છે.બ્રિટનના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દેશમાં ગેરકાયદે કામ કરનારાઓને હટાવવા માટેનું એક અભિયાન છે. ગૃહસચિવ યવેટ કૂપરે કહ્યું કે, અમારા વિભાગે જાન્યુઆરીમાં 828 પરિસરોમાં દરોડા પાડ્યા છે, જેમાં 609 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સંખ્યા ગત વર્ષની તુલનાએ 73 ટકા વધુ છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2025 માં દેશમાં ગેરકાયદેસર પ્રવેશ અને દેશમાં કામ કરવા સામે કુલ 609 ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે જાન્યુઆરી 2024 માં 352 ધરપકડ કરવામાં આવી હતી. નેઇલ બાર, રેસ્ટોરાં, કાર વોશ સેન્ટર્સ અને સુવિધા સ્ટોર્સ સહિત 800 થી વધુ જગ્યાઓની તપાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.