જે ભારતીયો પહેલા વિઝા ઇન્ટરવ્યૂ આપ્યા વિના સરળતાથી યુએસ વિઝા મેળવી લેતા હતા તેમના માટે ખરાબ સમાચાર છે. અમેરિકાએ ‘વિઝા ઇન્ટરવ્યૂ વેવર’ એટલે કે વિઝા ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ માટે પાત્રતા માપદંડમાં ફેરફાર કર્યો છે.’વિઝા ઇન્ટરવ્યુ વેવર’એ ‘ડ્રોપબોક્સ’ સુવિધા રૂપે પણ ઓળખાય છે, જેના માટેના નિયમ હવે કડક કરી દેવાયા છે. નવા નિયમ અત્યારથી જ લાગુ કરી દેવાયા છે જેની અસર H1B અને B1/B2 વિઝા હોલ્ડર્સ સહિત અનેક લોકોને થશે.
હવે ફક્ત એવા લોકોને જ ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાની તક મળશે, જેના વિઝા ગત 12 મહિનામાં એક્સપાયર થયા છે અને તે પહેલાંની જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવવા ઈચ્છે છે. નોંધનીય છે કે, પહેલાં આ સીમા 48 મહિના હતી.વિઝાના આ નવા નિયમની સૌથી વધુ અસર ભારતીય H1B વિઝા હોલ્ડર્સ પર થશે. આ સિવાય અમેરિકામાં ફરવા અથવા બિઝનેસ માટે અવર-જવર કરનાર B1/B2 વિઝા હોલ્ડર્સ પણ આ નવા નિયમથી પ્રભાવિત થશે. કોવિડના સમયે આ લોકોને નિયમોમાં ઢીલના કારણે ઘણો ફાયદો થયો હતો. નોંધનીય છે કે, આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ, ધ નેશનલ લૉ રિવ્યુ અનુસાર વિઝા એપ્લીકેશન સેન્ટર (VAC) નવા નિયમ લાગુ કરવા લાગ્યાં છે અને જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે, તેમને પરત મોકલી દેવામાં આવશે.