ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલ યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર બન્યા છે. યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે મતદાન દરમિયાન તેઓ 51-49 ની બહુમતી સાથે આ પદ માટે ચૂંટાયા હતા. FBIના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કાશ પટેલે અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો આભાર માન્યો હતો. તેમણે એજન્સીને પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત FBIમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા વિશે વાત કરી.કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કેઅમેરિકન લોકો એવી FBIને લાયક છે જે પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ હોય. આપણી ન્યાય વ્યવસ્થાના રાજકીયકરણથી જનતાનો વિશ્વાસ ડગી ગયો છે. પણ તે આજે સમાપ્ત થાય છે.’
મહત્વનું છે કે, મૂળ ગુજરાતી 44 વર્ષીય કાશ પટેલનો જન્મ 25મી ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા, અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં વસી ગયા હતા.