મહાશિવરાત્રી પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી શિવલિંગની ચોરી થઈ હતી જેને લઈને ભક્તોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો. હવે હર્ષદના ભીડભંજન મહાદેવના મંદિરમાંથી થયેલી શિવલિંગ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. જો કે શિવલિંગનું ચોરી પાછળનું કારણ જાણીને ખુદ પણ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે હિંમતનગરના ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં શિવલિંગ ચોરી પાછળનું કારણ એક યુવતીને આવેલું સપનું છે. સાબરકાંઠા જિલ્લાના મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને સપનામાં આવ્યું હતું કે જો હરસિધ્ધિ મંદિર પાસેના ભીડભંજન મહાદેવના શિવલિંગને ઘરે સ્થાપિત કરવામાં આવે તો ખૂબ પ્રગતિ થશે. આ સપના બાદ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને ત્રણ મહિલાઓએ શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતુ અને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે ઝડપાયેલ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
