સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પોલીસ દ્વારા દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ચોટીલા બસ સ્ટેશન પાસે કારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી. જે દરમિયાન કારમાંથી એક પિસ્તોલ અને પાંચ કારતૂસ મળી આવ્યા હતા.

જેના પગલે પોલીસે પિસ્તોલ અને કારતૂસ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પ્રદિપ કરપડા નામના શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ શખ્સ સામે અગાઉ સાયલા અને મુળી પોલીસ મથકે ચાર ગુના પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.