ભારતમાં એક તરફ જ્યાં મુંબઈથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા પર કામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ આગામી સમયમાં મુંબઈ અને દુબઈ વચ્ચે અંડરવોટર ટ્રેન દોડશે. યુએઈએ આ ટ્રેન દોડાવવાની શક્યતા તપાસવા માંડી છે. યુએઈના નેશનલ એડવાઈઝર બ્યૂરો લિમિટેડ દ્વારા આ પ્લાનિંગ પર વિચારણા શરુ થઈ છે.યુએઈના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર યુએઇ અને ભારત જ નહીં પણ અન્ય દેશોને પણ ફાયદો થશે.
બ્યૂરોના વડા અબ્દુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે. સાથે જ તેમણે કહ્યું કે, આ રેલ નેટવર્કના પ્લાનમાં અનેક એંગલથી વિચારણા કરવી પડે તેમ છે. આ બે હજાર કિમી લાંબુ રેલવે નેટવર્ક હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેનની સ્પીડ કલાકના 600થી 1000 કિમીની હોઈ શકે છે. ટ્રેનમાં પેનોરમિક વ્યૂ આપતી વિન્ડો હશે. જેના દ્વારા પ્રવાસીઓ સમુદ્રી જીવસૃષ્ટિ પણ નિહાળી શકશે. આ બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી સર્વે હાથ ધરાશે.