જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના ગાઢ જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણ કલાકો સુધી ચાલી હતી, જેમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જોકે, આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ત્રણ સૈનિકો શહીદ થયા હતા.
એનકાઉન્ટરમાં ત્રણ શહીદ સૈનિકોના નામ તારિક અહેમદ, જસવંત સિંહ, બલવિંદર સિંહ હોવાનું જાણવા મળ્યું છે. આ એન્કાઉન્ટર છેલ્લા 4 દિવસથી કઠુઆના જંગલોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ હતું. રાજબાગના ઘાટી જુથાણા વિસ્તારના જાખોલે ગામમાં લગભગ 9 આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ સામે આવ્યા હતા, જે બાદથી આતંકવાદીઓને પકડવા માટે SOG, આર્મી, BSF અને CRPFની સંયુક્ત ટીમે થર્મલ ઇમેજિંગ, ડ્રોન, હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.