અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળતા જ ગેરકાયદે પ્રવાસીઓને દેશની બહાર કાઢવા માટે આકરાં પગલાં લીધા હતા. ત્યાર પછી ટ્રમ્પના ટેરિફે દુનિયાભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. ત્યારે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર તવાઈ લાવવાની શરૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, યુએસ કોંગ્રેસ (અમેરિકન સંસદ)માં મૂકાયેલા નવા બિલમાં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટેનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ બંધ કરવાની દરખાસ્ત મૂકાતાં ૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ગયા છે. આ બીલ પસાર થતા યુએસમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) હેઠળ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM)નો અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન કરી રહ્યા પછી ૩ વર્ષ સુધી યુએસમાં કામ કરવાની મંજૂરી મળે છે જ્યારે સાયન્સ સ્ટ્રીમ સિવાયના વિદ્યાર્થીઓને ૧ વર્ષ માટે અમેરિકામાં રહીને નોકરી શોધવાનો સમય અપાય છે.
આ બિલ પસાર થશે તો વિજ્ઞાાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતનો અભ્યાસ કરી રહેલા ૩ લાખ ભારતીય વિદ્યાર્થીએ સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓએ બિસ્તરાં-પોટલાં બાંધીને પોતપોતાના દેશ રવાના થઈ જવું પડશે. જે વિદ્યાર્થીઓ H-1B સહિતના કોઈ વિઝા મેળવી લેશે તો અમેરિકામાં રહી શકશે પણ અમેરિકા વિઝા નિયમો આકરા બની રહ્યા છે એ જોતાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ વતન પાછા ફરવું પડે એવી જ હાલત થઈ જશે. ‘ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ અમેરિકન એક્ટ ૨૦૨૫’ નામના આ બિલમાં OPT ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દરખાસ્ત છે. અમેરિકામાંથી શિક્ષણ પતે પછી વિદ્યાર્થીઓને પોતપોતાના દેશમાં પાછા મોકવવાના અગાઉના આવા પ્રયાસો નિષ્ફળ ગયા છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વિદેશીઓના અમેરિકામાં નિવાસ અને સિટિઝનશીપ અંગેના નિયમો આકરા બનાવામાં રસ લઈ રહ્યા હોવાથી આ બિલ પસાર થઈ જાય એવી શક્યતા છે.