અમેરિકાની દિગ્ગજ મોર્ગેજ કંપની ‘ફેની મે’એ 9 અને 10 એપ્રિલના રોજ છેતરપિંડીનો આરોપ લગાવીને 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, જેમાંના 200 ભારતીયો છે અને એ 200માંના મોટાભાગના તેલુગુ ભાષી છે. કર્મચારીઓએ તેલુગુ સંગઠનો સાથે સહયોગ કરીને કંપનીના ‘મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ’નો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. ફેની મેએ તેના પુનર્ગઠન પ્રયાસોના ભાગ રૂપે આ છટણી નૈતિક ધોરણોને આધારે કરી હોવાનું જણાવ્યું હતું. ફેની મે (ફેડરલ નેશનલ મોર્ટગેજ એસોસિએશન) એ અમેરિકન સરકાર દ્વારા પ્રાયોજિત કંપની છે. એની સ્થાપના 1968 માં કરવામાં આવી હતી.
મેચિંગ ગ્રાન્ટ્સનો ઉપયોગ મુખ્યત્વે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓ માટે થતો હોય છે. ફેની મે દ્વારા કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓએ આવી મેચિંગ ગ્રાન્ટમાં જ ધાંધલી કરી હોવાના આરોપ લગાવાયા છે. ‘મેચિંગ ગ્રાન્ટ’ પ્રોગ્રામનો દુરુપયોગ કરીને નાણાં હડપ કરવાને ઈરાદે કંપની પાસેથી ખોટી રીતે દાન કઢાવવામાં આવ્યું હતું.