જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓનો હાથ હોવાનું સામે આવ્યું છે. જોકે તેમ છતાં પાકિસ્તાનને જાણે કોઈ શરમ લાજ ન હોય એમ ગાજી રહ્યું છે અને ભારતને ધમકી આપી રહ્યું છે. જી હાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી. એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ધમકી આપી.
તેણે કહ્યું, “હું સિંધુ નદીના કિનારે ઊભા રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી છે અને તે અમારી જ રહેશે. કાં તો આપણું પાણી આ નદીમાંથી વહેશે અથવા તેમનું લોહી તેમાં વહેશે.” આ નિવેદનને ભારત વિરુદ્ધ હિંસા માટે ખુલ્લી ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે પહેલગામ હુમલાએ સમગ્ર દેશને શોક અને ગુસ્સામાં ડૂબાડી દીધો છે.બિલાવલ ભુટ્ટોના આ નિવેદને પાકિસ્તાનની માનસિક્તા સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ આતંકવાદને ખુલ્લુ સમર્થન કરી રહ્યા છે.