IPLની 47મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં રમાઈ હતી. શુભમન ગિલ અને જોસ બટલરની અડધી સદીની મદદથી ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. જવાબમાં, રાજસ્થાને 15.5 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન બનાવી લીધા અને 25 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગના સહારે રાજસ્થાને 15.5 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરીને ગુજરાત સામે સરળતાથી જીત મેળવી હતી.
14 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ મેચમાં તોફાની બેટિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 101 રન જ્યારે યશસ્વી જયસ્વાલે 40 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. આ સિવાય ટીમના કેપ્ટન રિયાન પરાગે પણ 15 બોલમાં 32 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે IPLની આ સિઝનની સૌથી ઝડપી અર્ધ સદી ફટકારી, રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અર્ધ સદી ફટકારી. આ સાથે, ગુજરાત ટાઇટન્સ સામે આ IPLમાં સૌથી ઝડપી અર્ધ સદી અને સદી ફટકારી. એટલું જ નહીં, તે IPLમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર પણ બની ગયો છે.