હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતના ઘણા ભાગોમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન જેવા કોઈપણ ઉપકરણનું ગરમ થવું ખૂબ જ સામાન્ય છે. જોકે, જો ફોન ખૂબ ગરમ થાય તો તેમાં વિસ્ફોટ થઈ શકે છે. તેથી તેને સુરક્ષિત તાપમાને રાખવો મહત્વપૂર્ણ છે. તાપમાન જેવું ૪૦ ડિગ્રીની ઉપર જાય એટલે તરત જ મોબાઇલ ઓવરહીટ થવા લાગે છે. ઓવરહીટિંગનાં કારણે ઘણી વખત બેટરીને નુકસાન થઇ શકે, ફોન ઓટોમેટિક બંધ થઇ શકે અને ક્યારેક પ્રોસેસર (CPU)ને પણ નુકસાન થાય છે. ઉપરાંત, ઓવરહીટિંગના કારણે ફોનમાં આગ અથવા બ્લાસ્ટના સમાચાર પણ સાંભળ્યાં હશે, જોકે આવું તો ભાગ્યે જ બને છે. માટે સ્માર્ટફોનને ઓવરહીટિંગથી બચાવવો જરૂરી છે. ચાલો જાણીએ મોબાઇલને ઓવરહીટિંગથી બચાવવા શું કરવું જોઈએ?
- તડકાથી ફોન દૂર રાખવો જોઈએ,એટલે ફોનને બહાર લઇ જવાની મનાઇ નથી પરંતુ સ્માર્ટફોન પર સીધો તડકો ન પડે તેનું ધ્યાન રાખવું
ઓવરહીટિંગનું એક કારણ ફોનનો વધારે પડતો ઉપયોગ પણ છે, એટલે ફોનને થોડો આરામ પણ આપો, સતત લાંબા સમય સુધી ફોન ચલાવવાથી બચવું જોઇએ - ઘણા લોકો ફોનને ચાર્જિંગમાં લગાવીને પણ તેનો ઉપયોગ કરતાં હોય છે. આમ કરવાથી ફોન તો ગરમ થાય જ છે, પણ બીજી અનેક રીતે પણ જોખમી છે
- જો તમારો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય તો તેને ઠંડી જગ્યાએ લાવવાનો પ્રયાસ કરો.
- ગેમિંગ કરતી વખતે ફોનનું સીપીયુ ખૂબ જ સખત મહેનત કરે છે, જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી ફીચર્સ અને જીપીએસ નેવિગેશન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમને આ એપ્સની જરૂર ન હોય, તો તમે તેમને બંધ કરી શકો છો
- ફોન વધારે ગરમ થઇ જાય એટલે સૌથી પહેલા તેનું કવર કાઢી નાંખો. બને ત્યાં સુધી સાદું કવર લેવાનો આગ્રહ રાખો. વધારે જાડું અને ફેન્સી કવર લેવાથી ફોનને હવા નથી મળતી. ઉપરાંત, ફોન પાછળ કવરમાં પૈસા કે અન્ય વસ્તુ રાખવાની ટેવ પણ ખરાબ જ છે.