રાજ્યમાં ઓનલાઇન લાઇટ બિલ ભરતા ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા 10 જૂન સુધી બંધ રહેશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ડેટા સેન્ટર ખાતે નોન-આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવીનીકરણની કામગીરીને લઈને સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવા આજે સાંજે 6 વાગ્યાથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ મામલે GUVNLએ તેની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે.
GUVNLના જણાવ્યા મુજબ, આજે શુક્રવારે (6 જૂન) સાંજના 6 વાગ્યાથી 10 જૂને 10 વાગ્યા સુધી GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓમાં UGVCL, MGVCL,PGVCL, DGVCL, GETCO અને GSECLની ઓનલાઇન સેવા બંધ રહેશે. GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી કરવાની હોવાથી આ પ્રકારનો નિર્ણય કરાયો છે, ત્યારે ઓનલાઇન લાઇટ બીલ ભરવા સહિતની કામગીરીને લઈને ગ્રાહકોએ તેની નોંધ લેવા જણાવાયું છે. જ્યારે GUVNLની મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં ફરીથી ઓનલાઇન સેવા કાર્યરત કરાશે.