અભિનેતા રામ ચરણ અને અભિનેત્રી કિયારા અડવાણીની આગામી ફિલ્મ ગેમ ચેન્જર છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આખરે આ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ‘ગેમ ચેન્જર’ આવતા વર્ષે મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે. શંકર દ્વારા દિગ્દર્શિત પોલિટિકલ ડ્રામામાં દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મહત્વની ભૂમિકામાં છે. નિર્માતાઓએગેમ ચેન્જરનું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં રામ ચરણનો પાવરફુલ લુક જોવા મળી રહ્યો છે. ગેમ ચેન્જરમાં, રામ ચરણ એક IAS અધિકારીનું પાત્ર ભજવી રહ્યા છે, જે સરળ ચૂંટણીઓ કરાવવા અને ભ્રષ્ટ રાજકીય નેતાઓથી લોકશાહીનું રક્ષણ કરવા માટે જાણીતા છે. ફિલ્મનું સંગીત થમન એસ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં કિયારા અને રામચરણ ઉપરાંત અંજલિ, સમુતિરકાની, એસજે સૂર્યા, શ્રીકાંત, પ્રકાશ રાજ અને સુનીલ પણ જોવા મળશે. ગેમ ચેન્જર તમામ દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં રિલીઝ થશે. આ ફિલ્મ આગામી વર્ષે 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રામ ચરણ અને કિયારા અડવાણી આ પહેલા બોયાપતિ શ્રીનુ દ્વારા નિર્દેશિત વિનય વિદ્યા રામા ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.