રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજ રોજ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્નાએ CJI ડીવાય ચંદ્રચૂડનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. કેન્દ્ર સરકારે 24 ઓક્ટોબર, 2024ના રોજ જસ્ટિસ ખન્નાની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ છે. નવા CJIનો કાર્યકાળ 13 મે, 2025 સુધી રહેશે, એટલે કે તેઓ આ પદ પર લગભગ 6 મહિના જ રહેશે.
આપને જણાવી દઈએ કે, ન્યાયાધીશ સંજીવ ખન્નાની ન્યાયિક કારકિર્દી ચાર દાયકાથી વધુ લાંબી છે. 1983 માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા પછી, તેમણે દિલ્હી હાઈકોર્ટમાં જતા પહેલા દિલ્હીની તીસ હજારી જિલ્લા અદાલતોમાં તેમની પ્રેક્ટિસ શરૂ કરી. તેમણે આવકવેરા વિભાગ માટે વરિષ્ઠ સ્થાયી સલાહકાર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ 2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ઉન્નત થયા અને 2006માં કાયમી ન્યાયાધીશ બન્યા. આ પછી, તેઓ કોઈપણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા વિના જાન્યુઆરી 2019 માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા.
જસ્ટિસ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાનણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા છે. જેમાં ચૂંટણીમાં EVMની ઉપયોગિતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને નકારી કાઢવા, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખવા અને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો સમાવેશ થાય છે.
Leave a comment