કહેવાય છે ને કે ‘જેના આંગણામાં તુલસીનો ક્યારો ત્યાં વસે મારા નંદનો દુલારો’. વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિવાહ હોય તો એ છે તુલસી વિવાહ. હરિ અને હરિપ્રિયાના વિવાહ એ તો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહ છે. આખુંય બ્રહ્માંડ આ વિવાહનું બને છે સાક્ષી..વિવાહની કથા જોડાયેલી છે એક શ્રાપ સાથે..તો ચાલો આજે આપણે જાણીશું શું છે તુલસી વિવાહનું મહત્વ..?
સનાતન ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીના રૂપમાં પૂજવામાં આવે છે. તુલસીનું બીજું નામ વિષ્ણુપ્રિયા છે, તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે. દર વર્ષે તુલસી વિવાહ કારતક શુક્લ પક્ષની અગિયારસે કરવામાં આવે છે. દેવઉઠી એકાદશી પર વિષ્ણુ ભગવાન ચાર મહિના બાદ યોગ નિંદ્રામાંથી જાગે છે અને આ પ્રસંગે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. જે સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં ભગવાન વિષ્ણુ અને તુલસી દેવીના પ્રતીકાત્મક લગ્ન કરવામાં આવે છે, જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસી વિવાહનો આ તહેવાર માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ વિશેષ નથી, પરંતુ તે પારિવારિક સમૃદ્ધિ અને જીવનમાં સુખની કામના માટે પણ ઉજવવામાં આવે છે.
એક પૌરાણિક કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી, જલંધર અસુરીવૃત્તિનો હતો જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી અને પતિવ્રતા હતી. તેના ભક્તિ અને સતિત્વના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો જેથી તેની શક્તિ ના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવને પરેશાન કરવા લાગ્યો હતો. આથી દરેક દેવ અને ઋષિઓએ કંટાળીને આ અંગે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સહાયની વિનંતી કરી જે બાદ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું અને વિષ્ણુ ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતિત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો, આ વાત ની જાણ વૃંદા ને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાન ને કહ્યું કે મેં તમારી ખૂબ ભક્તી કરી તેનું તમે આ ફળ આપ્યું અને તેમને શ્રાપ આપ્યો કે ‘તમે પથ્થર બની જાવ’.
આ સાંભળી દેવ, ઋષિઓ એ વૃંદાને વિનંતી કરી તેથી વૃંદા એ માફી પણ માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિ થી પરિચિત હતા માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસી ના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ.
દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. જયારે ભગવાન વિષ્ણુએ શાલિગ્રામ (પથ્થર) સ્વરૂપે પ્રગટ થયા.વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવઊઠી અગિયારસ કહેવાય છે.
ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે.
તુલસી વિવાહનું મહત્ત્વ
હિન્દુ ધર્મમાં કન્યાદાનને મહાદાનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જેઓ તુલસી વિવાહની પરંપરાનું પાલન કરે છે તેમને કન્યાદાન કરવા જેવું જ ફળ મળે છે. તુલસી વિવાહ ઘરના આંગણામાં કરવા જોઈએ. આ માટે સૂર્યાસ્ત પછી સાંજનો સમય પસંદ કરો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શાલિગ્રામજી અને તુલસી માતાના વિવાહ થાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
