અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચાર વર્ષ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ આગામી મહિને એટલે કે 20 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જોકે આ પહેલા જ તેમના કેટલાક નિર્ણયોને લઈ તેઓ ચર્ચામાં છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે જન્મની સાથે મળી જતી નાગરિકતા ‘હાસ્યાસ્પદ’ છે અને તેઓ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ તેને સમાપ્ત કરવા માંગે છે.અમેરિકામાં જન્મેલા દરેક બાળકનો અમેરિકન નાગરિકત્વ મેળવવાનો અધિકાર 150 વર્ષથી વધુ સમયથી બંધારણમાં સમાવિષ્ટ છે.
આ નિયમ હેઠળ અમેરિકા પોતાની સરહદમાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા આપે છે. ભલે તેમના માતા-પિતા બીજા દેશના નાગરિક હોય. જોકે, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં આમાં ફેરફાર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, જન્મથી નાગરિકત્વનો અધિકાર બંધારણના 14મા સુધારા પર આધારિત છે. આવી સ્થિતિમાં તેને ખતમ કરીને ટ્રમ્પને અનેક કાયદાકીય પડકારોનો સામનો કરવો પડશે.
ભારતીયો પર શું થશે અસર?
પ્યુ રિસર્ચના 2022ના યુએસ સેન્સસના વિશ્લેષણ અનુસાર, લગભગ 48 લાખ ભારતીય-અમેરિકનો યુએસમાં રહે છે. તેમાંથી 34 ટકા એટલે કે 16 લાખનો જન્મ અમેરિકામાં થયો હતો. આ વ્યક્તિઓ વર્તમાન કાયદા હેઠળ યુએસ નાગરિકો છે. જો ટ્રમ્પ આ કાયદો ખતમ કરશે તો 16 લાખ ભારતીય મૂળના અમેરિકનોને સીધી અસર થઈ શકે છે.