સમગ્ર રાજ્યમાં ધીરેધીરે કાતિલ ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જી હા.. વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજકોટ શહેરની સરકારી અને ખાનગી સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો છે.
રાજકોટ શહેરની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જિલ્લાની તમામ શાળામાં 30 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઠંડીને લઇને વિદ્યાર્થીઓને રાહત અપાઇ છે. રાજકોટમાં સરકારી અને ખાનગી સ્કૂલમાં સવારનો સમય 7.10 ની જગ્યાએ 7.40 નો કરાયો છે. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. તેવામાં અમદાવાદમાં પણ વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓના સ્કૂલનો સમય ફેરફાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.