અમેરિકામાં એચ-1બી અને એલ-1 વિઝાધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિઝાધારકોના જીવનસાથીના વર્ક પરમિટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેઓ 180 દિવસના બદલે 540 દિવસ સુધી કામ કરી શકશે. અમેરિકાના હોમ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એચ-1બી અને એલ-1 વિઝાધારકોના જીવનસાથી માટે ઓટોમેટિક વર્ક પરમિટ રિન્યુઅલ પિરિયડ 180 દિવસથી વધારી 540 દિવસ કરશે. આ બદલાવ 13 જાન્યુઆરી, 2025થી અમલી બનશે અને 4 મે, 2022ના રોજ કે ત્યારબાદ અરજી કરનારા પર લાગુ થશે.
આ નિર્ણય લેવા પાછળનો હેતુ વિઝા રિન્યુઅલ પ્રક્રિયામાં થતાં વિલંબને કારણે કામમાં થતાં વિક્ષેપો રોકવાનો છે, H-1B વિઝા ધારકોના જીવનસાથી (H-4 વિઝા) ગ્રીન કાર્ડ મેળવવા અને L-1 વિઝા ધારકોના જીવનસાથી (L-2 વિઝા) વર્ક પરમિટ મેળવવા પાત્ર છે. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી એલેજેન્ડ્રો એન. મેયરકાસે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021થી અમેરિકા અર્થતંત્રે 1.6 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ વિવિધ વ્યવસાયોમાં કામદારોની ઉપસ્થિતિ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.