ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિના પદના શપથ ગ્રહણ કરશે. જોકે, અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિના શપથ પહેલા જ તેઓ કેટલાક આકરા નિર્ણય લેવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકામાં ગેરકાયદે વસતા વસાહતીઓ સામે પગલા લેવાની વાત કરી છે. અમેરિકાના નવનિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તા. ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે.
આ રીતે અમેરિકાના ઇતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ-નિકાલ) કરવાનું અભિયાન બની રહેશે. આ માટે અમેરિકાનાં ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે વસાહતીઓ છે. તેઓને દેશ નિકાલ કરવા માટે વ્યવસ્થા વિચારાઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અન્ય દેશોના વતનીઓમાં મેક્સિકો પ્રથમ ક્રમે છે તે પછી અલ સાલ્વાડોરના લોકો છે. જ્યારે ત્રીજા ક્રમે આશરે ૭,૨૫,૦૦૦ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા છે. તેમનો ૧૮૦૦૦નો જથ્થો સૌથી પહેલી ખેપમાં ભારત પરત મોકલવામાં આવશે તે માટે દસ્તાવેજીકરણ શરુ થઈ રહ્યું છે. ઉક્ત આઇસીઈ ડેટા પ્રમાણે પહેલાં જૂથમાં નવેમ્બર ૨૦૨૪માં મૂકેલી ગણતરી પ્રમાણે ૧૭,૯૪૦ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવામાં આવશે.