ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ ટેલિકોમ ઓપરેટર્સને માત્ર વોઈસ અને SMS સેવાઓ માટે અલગ રિચાર્જ પ્લાન ઓફર કરવાનો આદેશ આપ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કેટલાક યુઝર્સને તેમની જરૂરિયાતની સેવાઓ માટે ચૂકવણી કરવાનો વિકલ્પ મળી શકે. ઘણા યૂઝર્સને માત્ર વૉઇસ અને SMS સેવાઓની જરૂર હોય છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને SMS પેક અલગથી આપવા પડશે. તેના લીધે ગ્રાહકોને તેમના માટે જરુરી હોય તેટલી જ સર્વિસના પેમેન્ટનો વિકલ્પ મળશે.
આ સાથે TRAI એ ટેરિફ નિયમોમાં સુધારો કર્યો છે. આ સુધારા સાથે, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ ઈન્ટરનેટ ડેટા ખરીદવાની કોઈ જવાબદારી વિના માત્ર વોઈસ કોલ અને એસએમએસ માટે રિચાર્જ પ્લાન ઓફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નવા નિયમોનો ઉદ્દેશ એવા ગ્રાહકોને વધુ સારા વિકલ્પો આપવાનો છે જેઓ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરતા નથી. ઉપરાંત, હવે સ્પેશિયલ રિચાર્જ કૂપનની વેલિડિટી વર્તમાન 90 દિવસની મર્યાદાથી વધારીને વધુમાં વધુ 365 દિવસ કરવામાં આવી છે.