ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ભાષાને સંવર્ધન માટે થઈને ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ની સંરચના કરવામાં આવી છે. ત્યારે હિમાંજય પાલીવાલે ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ના અધ્યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે ઉપાધ્યક્ષ તરીકે પંકજભાઈ ત્રિવેદી તેમજ સભ્યો ડૉ. આશિષ જનકરાય દવે, ડૉ. મયુરીબેન ભાટીયા અને ડૉ. અશોકભાઈ જોશી પણ દાયિત્વ સ્વીકારવા ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષીય ઉદબોધનમાં હીમાંજય પાલીવાલે જણાવ્યું કે દેવભાષા સંસ્કૃતની સેવા માટે ઈશ્વરે અમોને નિમિત્ત માત્ર બનાવ્યા છે, પરસ્પર સહયોગ અને સહકારથી જ સંસ્કૃતનો સર્વાંગી વિકાસ કરી શકાય. સંસ્કૃત ક્ષેત્રમાં જોડાયેલાતમામ શિક્ષકો, પ્રાધ્યાપકોનું સંરક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરાના મૂળ સંવાહક સંસ્કૃત પાઠશાળાઓનું સંવર્ધન વિષયો પર વિશેષ ધ્યાન આપવાનું ધ્યેય રહેશે. સમગ્ર કાર્યક્રમ ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ ગાંધીનગર ખાતે યોજાયો હતો.