ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T-20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું છે. મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી ઇંગ્લેન્ડને 248 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટી-20માં 54 બોલમાં 7 ફોર અને 13 સિક્સરની મદદથી 135 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ 248 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે 97 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે શાનદાર સદી ફટકારનાર અભિષેક શર્માએ 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત શિવમ દુબેએ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. આ સાથે જ ભારતે આ સીરિઝ 4-1થી જીતી લીધી છે.
અભિષેકે માત્ર 37 બોલમાં સદી ફટકારી
અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. તે ભારત માટે ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો. ટી 20માં ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ ઇન્દોરમાં 2017માં શ્રીલંકા સામે ટી 20માં 35 બોલમાં સદી ફટકારી હતી.