ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા વચ્ચે શુક્રવારે વહેલી સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથના સીમંત માના ગામ નજીક હિમપ્રપાતના કારણે મુશ્કેલી સર્જાયા બાદ બરફમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી જારી રહી છે. બરફમાં ફસાઅઇ ગયેલા 55 કામદારો પૈકી 33ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 22 કામદારોની શોધખોળ હજુ જારી રહી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન સેક્રેટરી વિનોદ કુમાર સુમને કહ્યું કે, પહેલા બદ્રીનાથ ધામથી છ કિલોમીટર આગળ થયેલા આ હિમપ્રપાતમાં 57 મજૂરો ફસાયા હોવાની માહિતી હતી, પરંતુ હવે સામે આવ્યું છે કે, સ્થળ પર માત્ર 55 મજૂરો જ હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મોડી રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પોલીસ, સેના, BRO, ITBP, SDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ખરાબ હવામાન, સતત હિમવર્ષા અને તીવ્ર ઠંડીએ રાહત કામગીરીમાં મોટી અડચણ ઊભી કરી હતી