ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પરીક્ષા શરૂ થઇ ચૂકી છે. આ પરીક્ષામાં હવે કેટલાક ગેરરીતિના કેસો પણ સામે આવી રહ્યાં છે. હાલમાં જ સાવરકુંડલામાંથી એક ડમી વિદ્યાર્થીનો કેસ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ સમગ્ર ઘટના સાવરકુંડલાની જે.વી.મોદી હાઇસ્કૂલમાં બની હતી.સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરમાં જે.વી મોદી હાઈસ્કૂલમાં બૉર્ડ પરીક્ષામાં ધોરણ 10ના પેપર દરમિયાન ડમી વિદ્યાર્થિની ઝડપાઇ છે. જ્યારે પેપર ચાલી રહ્યું હતુ, તે સમયે વર્ગખંડમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપી રહી હતી, નાની બહેન બીમાર પડતા મોટી બહેન પરીક્ષા આપવા પહોંચતા ઝડપાઈ ગઇ હતી. વર્ગખંડમાં સુપરવાઈઝરને શંકા જતા ડમી વિદ્યાર્થિનીનો આખો ભાંડો ફૂટી ગયો હતો. આ પછી પકડાયેલી ડમી વિદ્યાર્થિની અને તેની બહેન બન્ને વિરૂદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.