ખ્રિસ્તિ સમુદાયના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. 88 વર્ષની ઉંમરે ધર્મગુરૂએ અંતિમ શ્વાસ લીધા. પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. પોપ ફ્રાન્સિસ રોમન કેથોલિક ચર્ચના પહેલા લેટિન અમેરિકન ગુરૂ હતા. તેમના બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો જેના કારણે તેમની સ્થિતિ ગંભીર હતી. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં હતા. 38 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા અને હાલમાં જ ડિસ્ચાર્જ થયા હતા. પોપ ફ્રાન્સિસનું તેમના ઘર કાસા સેન્ટા માર્ટા પર નિધન થયું.
પોપ ફ્રાન્સિસે રવિવારે ઈસ્ટરના અવસરે સરપ્રાઈઝ પબ્લિક અપિયરન્સ આપ્યો હતો. તેમણે સેન્ટ પીટર સ્ક્વેરથી 35000 લોકોની ભીડનું હાથ હલાવીને અભિવાદન સ્વીકાર્યું હતું. પોપ ફ્રાન્સિસ જેસુઈટ ઓર્ડરના પ્રથમ પોપ હતા. તે 8મી સદી પછી યુરોપની બહારના પ્રથમ પોપ હતા. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં જોર્જ મારિયો બર્ગોગ્લિયો તરીકે જન્મેલા પોપ ફ્રાન્સિસને 1969માં કેથોલિક પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 28મી ફેબ્રુઆરી 2013ના રોજ પોપ બેનેડિક્ટ XVIના રાજીનામા બાદ એક પોપ કોન્ક્લેવે કાર્ડિનલ બર્ગોગ્લિઓને તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા. તેમણે 13મી માર્ચે સેન્ટ ફ્રાન્સિપાલના સન્માનમાં તેમના નામની પસંદગી કરી હતી.